Expectations only!!

દહેજ આપવું છે
દહેજમાં એક ફેવિકોલ આપવું છે જે પપ્પાના નામને દીકરીના નામ સાથે કાયમને માટે જોડી રાખી શકે.
એક એમ-સીલ વોટરપ્રૂફિંગ એક્સપર્ટ પણ આપવું છે જે દીકરીની આંખોમાંથી ટપકતા પાણીનું કાયમી સોલ્યુશન લાવી શકે.
દહેજમાં આપવો છે દીકરીના પપ્પાનો છુટ્ટો હાથ (ખભા સાથે જ મળશે) જે દીકરીના માથા પર કાયમને માટે રહી શકે. દીકરીની અગાશી પર પપ્પાનો હાથ રાખવાનો હેતુ એટલો જ છે કે ચોમાસું હોય કે ન હોય, દીકરીની આંખોમાં ભેજ ઉતરવો જોઈએ નહિ.
દહેજમાં આપવું છે એક સ્ક્રેચ ગાર્ડ અને ગોરિલા ગ્લાસ જે દીકરીના શરીર અને જમાઈની સંવેદનાઓ પર પડતા ઉઝરડાઓ અટકાવી શકે.
એક ૬૪ GBની પેન ડ્રાઈવ આપવી છે જેમાં દીકરીએ પોતાના ઘરે વિતાવેલો ભૂતકાળ સ્ટોર કરીને રાખેલો છે.
દહેજમાં આપવો છે એક સ્પેશીયલ દરવાજો જે બહારની તરફ પણ ખૂલી શકે. જમાઈના ઘરને બારીઓ ન હોય તો ચાલશે, જમાઈના મનમાં બારીઓ હોવી જોઈએ.
બોલી શકે એવો અરીસો દહેજમાં આપવો છે જે રોજ સવારે દીકરીને યાદ કરાવી શકે કે તું બહુ જ સુંદર છે.
દહેજમાં આપવી છે એક સાવ નવરી ઘડિયાળ. બીજું કોઈ આપે કે નહિ, દીકરીને ઘડિયાળ તો પૂરતો સમય આપશે જ.
એક સીસીટીવી દહેજમાં આપવું છે. દીકરીઓ બહુ સારી એક્ટિંગ કરે છે. એ એક્ટિંગ ટીવી પર જોવી છે.
દહેજમાં આપવો છે સોય-દોરો જે દીકરીના રોજ તૂટી રહેલા સપનાઓને સાંધી શકે.
દહેજમાં આપવો છે જીવનમાં દીકરી હોવાનો અર્થ, જે સાવ વેરાન મકાનમાં પણ ઘર બાંધી શકે.
-ડૉ. નિમિત્ત ઓઝા
Comments
Post a Comment